વીજળી

જયારે જહાજ દરિયામાં ડૂબી પડવાની દુર્ઘટનાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે સૌને ટાઇટેનિક યાદ આવે. હિમશીલા સાથે ટકરાઈને તૂટી પડેલા એ જહાજમાં આશરે 1517 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. આ કરુણ ઘટનાનું ફિલ્મી પડદે રેખાંકન કરીને જેમ્સ કેમરુને ટાઇટેનિકને ઇતિહાસમાં અમર બનાવી દીધું. આમ તો દુનિયામાં ખૂબ ઓછા જહાજો એવા છે કે જેઓ કોઈ મોટી દુર્ઘટનાના કારણે પ્રખ્યાત થયા હોય, ટાઇટેનિકને તેમાંનું એક ચોક્કસથી ગણાય. આવી જ કરુણગાથા ગુજરાતની પણ છે. આજેય સૌરાષ્ટ્રના લોકગીતોમાં ગુજરાતી જહાજની કરુણાંતિકાની ગોઝારી યાદો સમાયેલી જોવા મળે છે.

ગુજરાતનું એ બદનસીબ જહાજ એટલે “વીજળી”. આમ તો એનું નામ હતું એસ એસ વૈતરણા , પણ ઉપર ચમકતા વીજળીના ઝીણા ગોળાઓના કારણે લોકોએ એનું નામ વીજળી કરી નાખેલું. એની બનાવટ વિદેશી હતી પણ માલિકી દેશી હતી. વીજળીને ઇંગ્લેન્ડના ગ્લાસગો શહેરમાં બનાવવામાં આવી હતી. શેફર્ડ કંપની આ વીજળી જહાજને કાયમ માંડવી થી મુંબઈ સુધીના ફેરા કરાવતી. લગભગ ત્રીસ કલાકની આ મુસાફરી રહેતી. માલસામાનની સાથે સાથે મુસાફરોને પણ લઈ જતી આ વીજળી કચ્છ માં થોડા સમયમાં પ્રખ્યાત બની ગઈ. એ સમયે આઠ રૂપિયાના દરે એક ફેરો પડતો. હાજી કાસમ નૂર મહમદ પોરબંદરમાં આ વીજળીની ટિકિટો વેચતો.

SS_Vaitarna_in_Grangemouth_Docks_(Accession_No_P09431)
“વીજળી” જહાજ

8 નવેમ્બર,1888 ના રોજ વીજળીની 11મી મુસાફરી હતી. દર વખતની જેમ આગબોટનો આ ફેરો પણ માંડવીથી મુંબઇનો હતો. આગગાડી માંડવી-દ્વારકા-પોરબંદર-માંગરોળ-વેરાવળ-મહુવા-ભાવનગર થઈને મુંબઈ પહોંચવાની હતી. માંડવીથી 520 મુસાફરોને લઈને વીજળી દ્વારકા જવા નીકળી. દ્વારકા બંદરે વીજળીએ થોડો સમય વિશ્રામ લીધો અને થોડા નવા મુસાફરો પણ જોડાયા. હવે મુસાફરોની કુલ સંખ્યા 703 થઇ. લોકગીતો પ્રમાણે આ મુસાફરોમાં વિદ્યાર્થીઓ, તેર-તેર વરરાજા અને તેમની જાનો, વાણિયા અને શાહુકાર વેપારીઓ, કેટલાંક અંગ્રેજો અને મુંબઇ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ હતા.

Haji_Kasam_Captain_of_SS_Vaitarna_aka_Vijli
“હાજી કાસમ” જહાજનો કપ્તાન

જયારે વીજળીએ દ્વારકા છોડ્યું ત્યારે આકાશના કાળા ડિબાંગ વાદળોને ચીરતી વીજળીઓ જાણે કે દરિયાને છંછેડી રહી હતી. દરિયાના મોજા વર્ષો બાદ કોળિયા ભરવા નીકળ્યા હોય એમ ઊંચા ઉછાળા ભરતા હતા. છતાંયે વીજળીએ તેની સફર ચાલુ રાખી. જયારે તે પોરબંદરની નજીક આવી ત્યારે તેના કપ્તાનને સફર રોકવા ચેતાવવામાં આવ્યો. તે દિવસે કપ્તાનને પણ જાણે કાળ બોલાવી રહ્યો હતો. તેણે પોરબંદરે વીજળી રોકવાને બદલે સીધી જ માંગરોળ જવા વાટ પકડી. સાંજે જયારે વીજળી માધવપુર( ઘેડ) નજીક પહોંચી ત્યારે દરિયાઈ તોફાન ઉગ્ર બન્યું. સૌ મુસાફરો રામને રહીમની પ્રાથર્નાઓ કરવા લાગ્યા. ખલાસીઓ અને કપ્તાન સૌને ધીરજ રાખવા મનાવવા લાગ્યા. પણ “જેહના ભાગ્યમાં જે સામે જે લખ્યું, તેહને તે સમે તે જ મળે છે” કદાચ દરિયો એમના અંત માટે જ તોફાની થયો હશે. પળવારમાં જ દરિયો આખાયે જહાજને ખાઈ ગયો. જાણે કે એકાદ નાનકડો પથ્થર પાણીના તળિયે સમાય એમ આખુંયે જહાજ દરિયાના એ મોટા મોટા મોઝાઓ સાથે સંતાકૂકડી રમતું એમાં જ ગરક થઇ ગયું.

બીજા દિવસે સવારે જહાજ ખોવાયાની જાહેરાત થઇ. 741 માણસો (703 મુસાફરો, 38 જહાજ સ્ટાફ) ખોવાયાની ઘટનાના પડઘા સૌરાષ્ટ્રથી લઈને મુંબઈ સુધી પડ્યા. સૌ કોઈમાં એ જ ચર્ચા હતી કે ગઈકાલે રાત્રે આવેલા તોફાનમાં દરિયો સૌને દબોચી ગયો. ઘટનાની ગંભીરતા જોતા બોમ્બે પ્રેસિડેન્સી તરફથી તપાસ સમિતિ નિમાઈ. આશ્ચ્રર્યની વાત એ છે કે માધવપુરના દરિયાના તળિયે તપાસ કરતા જહાજના કાટમાળ કે મુસાફરોના મૃતદેહ કંઈ ના મળ્યું. ઘણી મથામણો બાદ કંઈ હાથ ના લાગતા અંતે તપાસ પુરી જાહેર કરાઈ. રિપોર્ટમાં એ જ જણાવાયું કે આગબોટ તોફાનોનો સામનો કરી શકે એટલી સક્ષમ નહોતી. વળી મુસાફરોની સુરક્ષા માટેના ઉપકરણો પણ નહોતી ધરાવતી. માટે જ દરિયા તોફાનમાં ફસાઈને નાશ પામી અને મુસાફરોના મૃત્યુ થયા.

આમ એક માલસામાનના જહાજમાં મુસાફરોને ફેરવવવાની ભૂલ સૌ કોઈને ભારે પડી. અફસોસવશ શેફર્ડ કંમ્પની સામે પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ કારણ કે એ સમયે રાજ અંગ્રેજોનું હતું. આ ઘટનામાં જેણે પોતાના સ્વજનો ઘૂમાવ્યા એમના હૈયા માટે આ અણધાર્યો આઘાત પચાવવો અઘરો હતો. માટે જ આ ઘટના પરથી કેટલાયે લોકગીતો અને લોકવાર્તાઓ ઘડાઈ જે આજેય કાઠિયાવાડી ડાયરાઓમાં કરુણતા રસ પીરસે છે. આ ઘટના પરથી અસંખ્ય રચનાઓ ગુજરાતી સાહિત્યને પણ મળી છે. દુર્લભરાય શ્યામજીએ આવા જ લોકગીતો એકઠા કરીને “વીજળીવિલાપ” નામનું પુસ્તક આપ્યું. ભીખારામ જોશીએ પણ “વીજળીવિલાપ” પ્રકાશિત કર્યો. આ ઘટના આધારિત એક નવલકથા “હાજી કાસમ તારી વીજળી” લેખક ગુણવંતરાય આચાર્યે પણ આપી. ઝવેરચંદ મેઘાણીએ પોતાના લોકગીતોના સંગ્રહ રઢિયાળી રાતમાં આ ઘટનાનું લોકગીત “હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઇ” ઉમેર્યું છે.

આ જ લોકગીત હું જયારે ધોરણ 8 કે 9માં ભણતો ત્યારે ભણાવવામાં આવતું. હાલના સમયે તે અભ્યાસમાં છે કે નથી તેની મને ખબર નથી. પણ આવા ભૂતકાળને ફક્ત પુસ્તકોમાં સીમિત ન રાખતા ભાવિ પેઢી સુધી પહોંચાડવાનો ચોક્કસથી પ્રયાસ થવો જોઈએ, કરવો જોઈએ. જો આપ હજી સુધી આ અમર લોકગીત સુધી નથી પહોંચ્યા તો આ રહ્યું આ લોકગીત,

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર

દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

Leave a comment